ગીતશાસ્ત્ર. 128. જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે; તે સર્વને ધન્ય છે. તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે. તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે. તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે. યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો. તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે. ઇસ્રાએલને શાંતિ થાઓ.