ગીતશાસ્ત્ર. 124. ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે; જો યહોવા અમારા પક્ષમાં ન હોત. હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત. તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત; અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત. ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત; અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત. તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડૂબાડી દીધા હોત. યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા, અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ. જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય; તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ. આકાશ અને પૃથ્વીના સર્જનહાર; યહોવા જ અમારા મદદગાર છે.